‘ભગવદ્ગોમંડલ’
“દુનિયાની કોઈ પણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં ‘ભગવદ્ગોમંડલ‘ ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી; પણ જ્ઞાનકોશ પણ છે.”
ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે ‘ભગવદ્ગોમંડલ‘ એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું “પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”
ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં જન્મેલ ભગવતસિંહજી એકમાત્ર રાજવી તરીકે નહિ; પરંતુ સામાજિક અને સાહિત્યક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. ગુજરાતી ભાષાને વિશ્વકક્ષા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવી છે. છવ્વીસ છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિને ખૂણેખાંચરેથી શોધી કાઢીને મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષામાં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ “ભગવદ્ગોમંડલ”ની રચના કરી. આ કોશના રચયિતા તરીકે આજે પણ સાહિત્ય–જગત તેમને સન્માને છે.
‘ભગવદ્ગોમંડલ‘ નામ ‘ભગવત્‘ અને ‘ગોમંડલ‘ એમ બે શબ્દોનું બનેલું છે. ‘ભગવત્‘ એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે ‘ગોમંડલ‘ એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.
કચેરી, તુમારો કે દફતરીકામમાં અંગ્રેજી ભાષાને બદલે વધુમાં વધુ ગુજરાતી ભાષાને અને શબ્દોને પ્રાધાન્ય આપવામાં તેમનો માતૃભાષા પ્રત્યેનાં પ્રેમ અને ભક્તિ પ્રગટ થાય છે. ગુજરાતીમાં સર્વાંગસંપૂર્ણ શબ્દકોશની ખામી ઘણા વખતથી સાલતી હતી. આથી એમણે ઈ.સ. ૧૯૧૫ની આસપાસથી કોઈપણ કોશમાં ન જોવા મળતા નવીન શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો. આ બાબતમાં એમની નિષ્ઠા અને ખેવના અજોડ હતી. તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, માસિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ કે એવા કોઈપણ રદ્દી જેવા શબ્દો ફરફરિયામાંથી; પણ ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરતા અને તેમાંથી જે શબ્દોમાં સચ્ચાઈનો રણકો ઊઠે, તેને જ કોશમાં સમાવવામાં આવતા. ગુજરાતી લોકોની બોલાતી ભાષાનું આમાં સાચામાં સાચું પ્રતિબિંબ ઝિલાયું છે. વળી આ કોશની રચના વખતે જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
ઈ.સ. ૧૯૨૮ના ઑક્ટોબરની પહેલી તારીખથી તેમણે ગોંડલમાં ‘ભગવદ્ગોમંડલ‘ કોશની વિધિસરની કચેરી શરૂ કરી અને જેમાં તેમણે જાતમહેનતે એકત્ર કરેલા આશરે વીસહજાર શબ્દોથી આ કોશની શરૂઆત કરી. ૨૫મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ તેમણે ૯૦૨ પાનાંનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો અને ત્યારબાદ દર એક દોઢ વર્ષના સમયગાળે એક એક ભાગ પ્રસિદ્ધ કર્યો. ૯મી માર્ચ ૧૯૫૫ના રોજ નવમો અને અંતિમ ભાગ પ્રસિદ્ધ થયો હતો.
દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં સહેજપણ ઊણો ન ઉતરતો આ ગ્રંથ માત્ર શબ્દકોશ જ નહિ પણ જ્ઞાનકોશ ગણાયો છે. નવ ગ્રંથોના ૯૨૭૦ જેટલાં પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગોને સમાવવામાં આવ્યા છે. શબ્દભંડોળ અને અર્થભંડોળની દૃષ્ટિએ એ અતુલનીય છે. વાસ્તવમાં આપણી ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ જ આ કોશ દ્વારા વિશ્વને થઈ. તેથી જ ભગવદ્ગોમંડલને વિવિધ વિશેષણો જેવાં કે, ‘જ્ઞાનનો ઘૂઘવતો શબ્દસાગર’, ‘ગુજરાતી ભાષાનો સંસ્કૃતિગ્રંથ’, ‘વિશ્વકોશ’, ‘ગુજરાતી ભાષાની અસ્મિતા’, ‘સર્વજ્ઞાન સંગ્રહ’ અને ‘સમૃદ્ધિનો સાગર’ જેવા શબ્દોથી નવાજવામાં આવેલ છે.
‘ભગવદ્ગોમંડલ‘ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. દા.ત. આપણે ‘કલા‘ શબ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો ‘કલા‘ શબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાનાં નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમ જ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ; પરંતુ તેનાં ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
આમ, છવ્વીસ વર્ષના અથાક પરિશ્રમ બાદ દળદાર એવા નવ ભાગનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયું. આ પ્રકાશન પાછળ તેમણે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. ગુજરાતી ભાષાના એક સમૃદ્ધ અને મહત્ત્વના જ્ઞાનકોશ તરીકે “ભગવદ્ગોમંડલ” અદ્વિતીય છે. જ્ઞાનના અમૂલ્ય વારસાને સાચવી તેમ જ લોકોને સુલભ રીતે માહિતી મળી શકે તે માટે જે જહેમત ઉઠાવી તે માટે શ્રી ભગવતસિંહજીને કોટિ કોટિ વંદન.
ડિજિટલ ભગવદ્ગોમંડલ :
ગુજરાતી ભાષાના અનેક કોશો આપણને ઉપલબ્ધ છે. પરંતુ ‘ભગવદ્ગોમંડલ’ કોશ એના શબ્દો, અર્થો, ઉપયોગો અને બીજી અનેક બાબતોથી પોતાની એક આગવી અસ્મિતા જાળવી રહ્યો છે. આજે પણ જ્યારે કોઈ ભાષાપ્રેમી કે કોશકારને કોઈ શબ્દ કે અર્થ એ સાર્થ, બૃહદ્ કે નર્મકોશમાં ન મળે ત્યારે તે ભગવદ્ગોમંડલની સહાય લે છે અને તેમાં શબ્દ કે અર્થ મળી રહેતાં ભાવક પર પ્રસન્નતાની લહેરખી છવાઈ જાય છે.
રતિભાઈ ચંદરયાએ પણ તેમના સંગ્રહાયેલા શબ્દોનો ઉપયોગ કરી તેમાંથી શબ્દકોશ બનાવવાનું સને ૧૯૭૫ની આસપાસ શરૂ કર્યું. ત્યાર પછી ૧૯૮૬માં ભગવદ્રોમંડલનું પુનર્મુદ્રણ થયું. તે ખબર મળતાં જ તેમણે સંપૂર્ણ સેટ લંડનમાં વસાવી લીધો હતો. આ રત્નમણિ તેમના હાથમાં આવતાં જ તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, તેમણે આદરેલું ‘લૅક્સિકોન’નું કામ પૂરું થાય કે તરત આખેઆખા ‘ભગવદ્ગોમંડલ શબ્દકોશ’ને પણ તેમના જીવનકાળ દરમિયાન જ તેમના ‘ગુજરાતીલૅક્સિકૉન’માં ઉતારી લેવો.
આ ભગીરથ કામ યુનિકોડ ફોન્ટ આવતાં સાર્થક બને તેવું તેમને લાગ્યું, તેથી ગુજરાતી ભાષાના અમૂલ્ય એવા જ્ઞાનકોશને ડિજિટલાઇઝ કરવાનું ભગીરથ કામનું ‘ગુજરાતીલૅક્સિકોને’ બીડું ઝડપ્યું. વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો માનવી આ જ્ઞાનસંગ્રહની માહિતી અને તેની મહત્તા જાણી શકે અને તેના રોજિંદા જીવનમાં સરળતાથી તેનો વિનિયોગ કરી શકે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું.
રતિલાલ ચંદરયા અને ‘ગુજરાતીલૅક્સિકોન’ ટીમના સમિતિ સભ્યોએ આ કાર્યને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. સૌ પ્રથમ ગોંડલ મ્યુનિસિપાલિટી તરફથી આ કોશને ડિજિટલાઇઝ કરવાની મંજૂરી મેળવી. જૂની હસ્તપ્રસ્તો તપાસી નવેનવ ભાગનું ઝીણવટથી અધ્યયન કર્યું. તજ્જ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવી આ કાર્યની શુભ શરૂઆત તા. ૧૮-૦૪-૨૦૦૮ ને મહાવીર જયંતીના દિવસે કરવામાં આવી. ડેટાએન્ટ્રી માટે એડિટિંગ સોફ્ટવેરની રચના કરવામાં આવી. ડેટાએન્ટ્રીમાં કુશળ એવા ઓપરેટરો પાસેથી એ એન્ટ્રી કરાવવામાં આવી. તે ડેટાએન્ટ્રીને પ્રૂફરીડરો પાસે ચકાસણી અર્થે મોકલવામાં આવી. પ્રૂફરીડરોએ ચકાસેલી એન્ટ્રીની ભાષાનિષ્ણાતે પુન:ચકાસણી. કરી. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને સુધારી લેવામાં આવી. આમ, આ રીતે નવેનવ ભાગનું કામ હાથ ધરવામાં આવ્યું અને ૧૧ માસના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ કર્યું. કોશ પ્રમાણે એન્ટ્રીને સાઇટ પર મૂકવા એક ખાસ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી. જેમાં સમગ્ર માહિતીને સંગૃહિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આપ સૌ ભગવદ્ગોમંડલને ઇન્ટરનેટ પર જોઈ શકશો. તદુપરાંત તમે તેને સીડી માધ્યમથી પણ મેળવી શકશો. વળી, તમે ભગવદ્ગોમંડલનાં સમગ્ર પૃષ્ઠોને પણ એનીમેટેડ ફોર્મમાં જોઈ શકશો અને તે પણ તદ્દન નિ:શુલ્ક !
૮૦ વર્ષની જૈફ વયે સતત કાર્યરત રહી ભગવતસિંહજીએ શારીરિક, માનસિક અને આર્થિક ભોગ આપી ગુર્જરી ગિરાને એક અમૂલ્ય મહિમામુકુટથી શણગારવાનો મહાન પ્રયાસ કર્યો હતો. તે જ રીતે શ્રી રતિલાલ ચંદરયા પણ ૮૭ વર્ષની જૈફ વયે ગુજરાતી ભાષા વિશે સતત ચિંતિત છે. તેમનો માતૃભાષા પ્રત્યેનો આ પ્રેમ વિરલ છે. આજના કમ્પ્યૂટર યુગમાં આધુનિક ટૅક્નોલૉજીના માધ્યમથી, ગુજરાતી શબ્દકોશ અને અન્ય માહિતીને સંગૃહિત કરવાનો અને તેને લાખો લોકો સુધી મફત પહોંચાડવા માટેનો તેમણે એક યજ્ઞનો– જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કર્યો જે ‘ગુજરાતીલૅક્સિકોન’ નામથી પ્રચલિત છે.
‘ગુજરાતીલૅક્સિકોન’ ટીમ દ્વારા ગુજરાતીલૅક્સિકોન સાઇટની ત્રીજા વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે આ સાઇટને નવા રૂપરંગ સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાર્થી શબ્દકોશ, રૂઢિપ્રયોગ, કહેવતો, પર્યાયવાચી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે જેવાં અનેક પાસાંઓને આવરી લીધાં છે. ગુજરાતીલૅક્સિકોનની પ્રથમ આવૃત્તિને પ્રગટ થતાં ૨૦ વર્ષનો સમય લાગ્યો, વિદ્યાપીઠના સાર્થજોડણીકોશ પ્રોજેક્ટને પૂર્ણ થતાં ૨ વર્ષ લાગ્યાં, જ્યારે ‘ભગવદ્ગોમંડલ’ના સાગર સમા કાર્યને પૂર્ણ થતાં માત્ર ૧૧ માસનો જ સમય લાગ્યો છે. ‘લૅક્સિકોન’ના ગુજરાતી-ગુજરાતી શબ્દકોશની સમગ્ર પ્રવિષ્ટિની ચકાસણીનું કાર્ય ગૂજરાત વિદ્યાપીઠના કોશ વિભાગે કરી આપ્યું છે અને તેમાંની શબ્દ–પ્રવિષ્ટિ તથા અન્ય માહિતી સાચી છે તેનું પ્રમાણપત્ર પણ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘ગુજરાતીલૅક્સિકોન’ને આપવામાં આવ્યું છે.
વળી તેમાં દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી શબ્દાર્થ કોયડાની રમત રમવાની પણ મઝા આવી જાય છે. આ ઉપરાંત સાહિત્ય વાચન–રસિયાઓને માટે પણ વિવિધ સાહિત્યિક સામયિકો જેવાં કે ઓપિનિયન, માતૃભાષા, સન્ડે-ઈ-મહેફિલ વગેરે ‘ગુજરાતી લૅક્સિકોન’ સાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીજા અનેક નાનામોટા ફેરફારો તમે સાઇટની રૂબરૂ મુલાકાત લઈ, જાણી અને માણી શકો છો. ‘ગુજરાતીલૅક્સિકોન’નું ધ્યેય માત્ર આટલું જ નથી; પરંતુ ભાષાના વિવિધ એકમોને સમાવવા માટે તે હંમેશાં કાર્યરત રહે છે. ટૂંક સમયમાં જ આપને આ માહિતીથી વાકેફ કરવામાં આવશે.
કહેવત છે – ‘જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી; ત્યાં ત્યાં વસે સદા કાળ ગુજરાત‘ … ત્યાં હવે આપણે કહી શકીશું કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ; ત્યાં સદાકાળ ગુજરાતીલૅક્સિકોન’
‘જય ગુજરાતી’
સંકલનકારઃ
સમગ્ર ‘લૅક્સિકોન ટીમ’ – January 23, 2009
સંદર્ભગ્રંથ – ‘ભગવદ્ગુણભંડાર’
Coming Soon
‘Digital Bhagvadgomandal’
The countdown has begun for the digital ‘avataar’ of
Gujarati’s biggest encyclopedic work.
Watch out !
Hasit Hemani
Persons of extraordinary vision, undying passion and total devotion like Bhagavatsinhji Bapu and Ratilal Chandariya has created this master piece. They will inspire the lovers of Gujarati language to achieve still greater accomplishments in future.